'મનની વાત' : સુધા મૂર્તિ (અનુ. : સોનલ મોદી)
પ્રકાશન : આર. આર. શેઠ - અમદાવાદ
પુનઃમુદ્રણ : ૨૦રપ, પૃ. ૨૧૨ કિંમત. ૨૭૫
ઇન્ફોસીસ ફાઉન્ડેશન નામની સેવા સંસ્થાના ચેરપર્સન સુધા મૂર્તિં આ પુસ્તકનાં લેખક છે. પ્રવાસવર્ણન અને નવલકથા જેવા સ્વરૂપમાં પણ તેમણે કામ કર્યું છે. પોતાની સેવા સંસ્થાથી ભારતમાં વિવિધ પ્રદેશોના લોકોના સંપર્કમાં આવવાનું અને એ નિમિત્તે તેમને જે વ્યક્તિગત અનુભવો મળ્યા છે, તેનો નિષ્કર્ષ આ 'મનની વાત' પુસ્તકમાં છે. મૂળ અંગ્રેજીમાં 'Wise and Otherwise' નામથી આ પુસ્તક પ્રગટ થયું છે. ગુજરાતી ભાષામાં આ પુસ્તકનો અનુવાદ સોનલ મોદીએ કર્યો છે. ગુજરાતી અનુવાદની ૪૨૦૦૦થી વધુ નકલો આ વેચાઈ છે. જે આ પુસ્તકની લોકપ્રિયતા સૂચવે છે.
ત્રેપન પ્રકરણમાં ભારતના જુદાં જુદાં પ્રદેશમાં સંસ્થાનાં કામથી થયેલા પ્રવાસ દરમિયાનના અનુભવો સુધા મૂર્તિએ આ પુસ્તકમાં આલેખ્યા છે. સરળ ભાષામાં અને રસાળ શૈલીમાં આ પુસ્તક નાના-મોટા સૌને ઝકડી રાખે તેવું છે. ગરીબ, મધ્યમ અને તવંગર ત્રણેય વર્ગના લોકોના સંપર્કથી થયેલા પ્રેરક તેમજ ઘૃણાસ્પદ અનુભવો ઘણું શીખવી જાય છે. આ ટૂંકાં લખાણો વાંચન રુચિ ઘડવા ઇચ્છતાં નવા વાંચકોને પણ ઉપયોગી થાય તેવા છે. બે વિરોધી ઘટનાને સામસામે મૂકીને અહીં લેખિકાએ જીવનસંદેશ આપ્યો છે. અનુવાદક સોનલ મોદીએ માત્ર ભાષાંતર નથી કર્યું, પણ ભાવાનુવાદ કર્યો છે. તેથી આ પુસ્તક ગુજરાતી ભાષાનું જ હોય તેવો પોતીકો અનુભવ આપે છે. ગુજરાતી ભાષાનાં રૂઢિપ્રયોગ અને કહેવતને અનુવાદમાં પ્રયોજીને આ પ્રસંગોનું જીવંત નિરૂપણ થયું છે. જીવનને સમજવામાં ઉપયોગી થાય તેવું આ રસપ્રદ પુસ્તક છે.
